મુખ્યમંત્રી નિવાસસ્થાને શાનદાર સમારોહ
February 5, 2010 by Editor
Filed under CM, Gandhinagar, NOW, With other VIPs
ડી. રાજગોપાલનને ઉષ્માભર્યું નિવૃત્તિ વિદાયમાન
એ. કે. જોતિને મુખ્ય સચિવ તરીકે ભાવભર્યો આવકાર
ટિમ ગુજરાત-ઉત્તમ પ્રશાસનિક વ્યવસ્થાની સંસ્થાગત સંસ્કૃતિના નિર્માણનો પડકાર ઝીલે – મુખ્યમંત્રીશ્રી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ટિમ ગુજરાતના સામર્થ્યને બિરદાવતા જણાવ્યું છે કે ગુજરાત જે ગતિથી વિકાસની નવી ઊંચાઇઓ ઉપર જઇ રહ્યું છે તે જોતાં ઉત્તમ પ્રકારની પ્રશાસનિક વ્યવસ્થાની સંસ્કૃતિ સંસ્થાગત ધોરણે પ્રસ્થાપિત કરવાનો પડકાર ટિમ ગુજરાત સમક્ષ આવ્યો છે.
શ્રી ડી. રાજગોપાલનને મુખ્ય સચિવ તરીકે ઉષ્માભર્યું નિવૃત્તિ વિદાયમાન આપવા અને શ્રી એ. કે. જોતિને ભાવભર્યો આવકાર મુખ્ય સચિવ તરીકે આપવાનો શાનદાર સમારોહ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના નિવાસસ્થાને રાખ્યો હતો. આ બંને વરિષ્ઠ સનદી અધિકારીઓના યશસ્વી યોગદાનની પ્રસંશા કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ટિમ ગુજરાતની સફળતા તેની ઓર્ગેનિક એન્ટિટીમાં રહેલી છે. તદન નવા અને અભિનવ આયામો અને વિકાસની પરિકલ્પનાને પાયાના સ્તર સુધી યથાર્થ સાકાર કરવા સુધીની સેવા-વ્યવસ્થાશકિત આપણે વિકસાવી છે. આપણે વહીવટીતંત્રમાં પરિવારભાવનું વાતાવરણ ઊભું કર્યું છે, જે વીલ ટુ લીવ ટુગેધરથી નિહિત ઊર્જા સર્જે છે.
દેશમાં સરકારી સેવાઓ અને વ્યવસ્થાના નીચે જઇ રહેલા સ્તરને જોતાં, ગુજરાતે ઉત્તમ કાર્યસંસ્કૃતિનો નવો ચીલો ચાતર્યો છે. આપણે વ્યકિત કેન્દ્રી વ્યવસ્થા નહીં પણ ઓટો-પાયલોટિંગ સંસ્થાગત ધોરણે ઉત્કૃષ્ઠ સરકારીતંત્ર વ્યવસ્થાનું નિર્માણ કરી શકવા સમર્થ છીએ. સ્વર્ણિમ ગુજરાતનો અવસર આપણા માટે આ પડકાર ઝિલવાનો અવસર બની રહેવો જોઇએ. પ્રત્યેક સ્તરે માનવ સંશાધનોના વ્યવસ્થાપન માટેનું નેતૃત્વ એ ટિમ ગુજરાતનો આધાર બની રહેશે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ શ્રી ડી. રાજગોપાલન સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કર્યું હતું.
નાણાં મંત્રીશ્રી વજુભાઇ વાળાએ નિવૃત્ત થયેલા મુખ્ય સચિવશ્રી ડી. રાજગોપાલન અને વર્તમાન મુખ્ય સચિવશ્રી એ. કે. જોતિની કાર્યનિષ્ઠા, કર્તવ્ય પરાયણતાની સરાહના લાક્ષણિક શૈલીમાં હળવાશથી વ્યકત કરી હતી.
મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળનારા શ્રી એ. કે. જોતિએ સ્વર્ણિમ ગુજરાતની મુખ્યમંત્રીશ્રીની સંકલ્પના પાર પાડવા વહીવટીતંત્ર અને સમગ્ર પ્રશાસન પ્રતિબદ્ધ છે અને દિશાદર્શક પહેલથી ગુજરાતને મોડેલ સ્ટેટ બનાવવા સંપૂર્ણ યોગદાન આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો.
આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સનદી અધિકારીઓ સહિત સનદી અધિકારીઓની પત્નીઓના સંગઠન IAS વાઇવ્ઝ વેલ્ફેર એસોશિયેશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અરવિંદ શર્માએ સંચાલન કરી આવકાર આપ્યો હતો

