રાજય ભરના ગરીબ મેળાઓમાંતળાજાને નમૂનારૂપ બનાવવા માટે તંત્રની તડામાર તૈયારીઓ
February 3, 2010 by Editor
Filed under Bhavnagar, Garib Kalyan Mela, INITIATIVES, NOW
બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીએ આપેલી જાણકારી.
રાજયભરમાં અત્યાર સુધીમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં સર્વ શ્રેષ્ઠ કક્ષાની વ્યવસ્થા તળાજા ખાતે ઉપલબ્ધ થાય તે માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એસ.પી.જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સંભવિત એકાદ લાખ નાગરિકોનો સમાવેશ કરી શકાય તે રીતે તમામ આયોજન ગોઠવાયું છે. કલેકટરશ્રી ડી.જી.ઝાલાવાડીયાના માર્ગદર્શન તળે અંદાજે ૩ લાખ ૧૫ હજાર ચોરસ ફુટ વિસ્તારને મંડપ- શમિયાણાથી આવરી લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોના મેઇન સ્ટેજ ઉપરાંત પરફોર્મન્સ સ્ટેજ અને પાંચ તાલુકાઓના લાભાર્થીઓને મંત્રીશ્રીઓના હસ્તે વિતરણ માટેના પાંચ સ્ટેજ બનાવાયા છે. વિશેષ ઉલ્લેખનીય બાબત એ છે કે નક્કી થયેલા કલર કોડ મુજબ તળાજા તાલુકા માટે પીળો, મહુવા તાલુકા માટે ગુલાબી, ધોધા તાલુકા માટે લાઇટ ગ્રીન અને ભાવનગર તાલુકા માટે બ્લ્યુ રંગો પસંદ કરાયા છે. તમામ તાલુકાના સ્ટેજ સહિતની તમામ જરૂરીયાતો સંબંધિત કલરમાં જ તૈયાર કરાઇ છે, જે ઉડીને આંખે વળગે છે.
દરેક તાલુકાના લાભાર્થીઓને કર્મચારીઓ દ્વારા વિતરણ માટે મહુવા તાલુકામાં ૪૫, તળાજામાં ૩૮, પાલીતાણામાં ૩૨, ભાવનગરમાં ૨૫ અને ધોધામાં ૧૮ મળી કુલ ૧૫૮ ટેબલ ગોઠવાયા છે, જેને સંબંધિત તાલુકાના કલર કોડથી સજ્જ કરાયા છે.
લાભાર્થીઓને વિતરણ થનાર વસ્તુઓ કે કીટ સૌની નજરે ચડે તે માટે મંડપની બંને તરફ સળંગ લંબાઇમાં રેક બનાવાયા છે અને તેનો પણ કલર કોડ સુનિヘતિ કરાયો છે.
આટલો વિશાળ જનસમુદાય એકત્ર થનાર હોવાથી સલામતીની વ્યવસ્થાને ધ્યાનમાં લઇને ચાર વોચ ટાવરનું નિર્માણ કરાયુ છે. ઉપરાંત ૨૩ જેટલા ટેન્કરો મારફતે પીવાના પાણીની વ્યવસ્થા અને પુરૂષો તથા મહિલાઓ માટે અલગ અલગ ૪૦૦ જેટલા યુરિનલ પણ ઉભા કરાયા છે.
અંદાજે ૩ થી ૪ હજાર નાના-મોટા વાહનોના પાર્કિંગ માટે માર્કેટ યાર્ડની નજીક આવેલ લગભગ ૩૦૦ વીધા જમીનમાં આવેલ ગાંડા બાવળનું જંગલ જેસીબી, રોલર, ટ્રેકટર તથા ટેન્કરની મદદથી સાફ-સમતળ કરીને તાલુકાવાર અલગ અલગ પાર્કિંગ બનાવાયા છે. અને ત્યાં પણ પાણી – યુરિનલની વ્યવસ્થા કરાઇ છે.
આઠ સુંદર પ્રવેશદ્વારોમાંથી સભા મંડપમાં પ્રવેશ કરી શકાશે અને સમગ્ર સભામંડપને રંગબેરંગી ધજા પતાકાઓથી સુશોભિત કરાયો છે. મુખ્ય સ્ટેજ પરના ફુલના નયનરમ્ય શણગાર માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
આ ઉપરાંત તળાજા સુધી પહોંચવા માટે દરેક તાલુકાઓમાંથી જરૂર જણાય ત્યાં નવ જેટલા એપ્રોચ રોડ તૈયાર કરવામાં આવ્યા છે અને સભામંડપની બહાર ૩૦ જેટલા સ્ટોલ ઉભા કરાયા છે, જેમા રાજય સરકારના વિવિધ વિભાગની લોક કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને તેનો લાભ મેળવવા માટેના ફોર્મ્સનું વિતરણ કરાશે.
આમ, તળાજા ખાતેના ગરીબ કલ્યાણ મેળાને નમૂનેદાર બનાવવા માટે કલેકટરશ્રી ડી.જી.ઝાલાવાડીયાના માર્ગદર્શન તળે કાર્યપાલક ઇજનેરશ્રી એસ.પી.જોશી, પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રી પટેલ અને તેમની સમગ્ર ટીમ કામે લાગી છે.

