ગરીબની ખુશી એજ સાચી વિકાસયાત્રા છે.
February 2, 2010 by Editor
Filed under CM, FEATURED, Garib Kalyan Mela, INITIATIVES, NOW, Surat
ગરીબ કલ્યાણ મેળાથી – ગરીબના બેલી તરીકે સરકારે લાખો ગરીબોની મૂશીબતોનો એક ઝાટકે અંત આણી દીધો છે.
ગરીબોની સેવાનો આ યજ્ઞ એ કુંભમેળાની યાત્રાથી વિશેષ છે.
ગરીબની ખુશી એજ સાચી વિકાસયાત્રા છે.
ગરીબોને દેવા – વ્યાજના શોષણમાંથી ઉગારવા સવા લાખ સખીમંડળોને મેદાનમાં ઉતારી
રૂ. ૧૦૦૦ કરોડ નો વહીવટ સોંપવાની નેમ :
ગરીબ કલ્યાણ મેળાનું અભિયાન અવિરત આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી
મોંધવારીનો રાક્ષસ ગરીબોનું જીવતર બદતર બનાવી રહયો છે.
કેન્દ્રએ જનતાનો વિશ્વાસધાત કર્યો.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળાએ લાખો ગરીબ પરિવારોની મુશીબતનો અંત આણ્યો છે, નિરાશામાંથી બહાર આવવાની હિંમત આપી છે. ગરીબ કલ્યાણ મેળાએ આખી સરકાર ગરીબોની બેલી છે, એવો વિશ્વાસ જગાવ્યો છે અને વહીવટીતંત્ર ઉદાસીનતા ખંખેરીને ગામેગામ ગરીબી રેખા નીચેના લાભાર્થીને શોધી શોધીને સહાય- સાધનો પહોંચાડવા રાત દિવસ જહેમત ઉઠાવી રહયું છે.
ગરીબોની સેવા નો આ યજ્ઞ પવિત્ર કુંભ મેળાની યાત્રાના પૂણ્યથી અધિક છે અને ગરીબના ચહેરા પર ખૂશીની લકીર જ સરકારની સાચી ઓળખ છે એમ તેમણે જણાવ્યું હતું. ગરીબ કલ્યાણનો સેવા યજ્ઞ દક્ષિણ ગુજરાતના વનવાસી ક્ષેત્ર તાપી જિલ્લાના વ્યારામાં આજે યોજાયો હતો. જિલ્લાના આ પ્રથમ ગરીબ કલ્યાણ મેળામાં, વ્યારા, સોનગઢ અને વાલોડ તાલુકાના ૭૨૮૦૦ વન બંધુઓ પરિવારોને રૂ. ૭૫ કરોડના સાધન સહાય મુખ્યમંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીએ હાથોહાથ આપ્યા હતા.
એક લાખથી અધિક વનબંધુ મહેરામણનું અભિવાદન કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગરીબ- વંચિત જનસમુદાયોને ભોળવીને સત્તાના સિંહાસને ચઢી જવાનો ચીલો ચાલતો આવેલો તેને આ સરકારે ચાતર્યો અને ગરીબ પણ માનવીય સંવેદના અને સપનાં ધરાવે છે એવી ભાવના સાથે આ સરકાર ગરીબોની પડખે ઉભી છે.
ગરીબોને છેતરવાના ષડયંત્રની સાંઠગાંઠ અંગે તેમણે જણાવ્યું કે, સાચા અર્થમાં ગરીબોની યોજનાઓ અને તેમના માટે નાણાં ખર્ચાર્યા હોત તો ગરીબ પરિવારો કયારના ય સુખ શાંતિ પામ્યા હોત, પરંતુ એમ થયું નથી તે હકીકત છે. આ સરકારે ગરીબનો રૂપિયો સહેજ પણ ધસાયા વગર ગાંધીનગરથી સીધેસીધો ગરીબના ધરમાં પહોંચડવા આ અભિયાન આદર્યુ છે એનાથી ગરીબને છેતરીને હક્કનું પડાવી લેનારા વચેટીયા દલાલોની દુકાનો બંધ થઇ ગઇ છે.
સરકારી યોજનાઓના અમલીકરણની જટીલ પ્રકિયા અને વહીવટીતંત્રની ઉદાસીન પરંપરાનો ઉકેલ ગરીબ કલ્યાણ મેળાએ લાવી દીધો અને ગામેગામથી લાભ મેળવવા પાત્ર લાભાર્થી શોધી કાઢવા રાત દિવસ પરસેવો પાડયો છે. આખા રાજયમાં ૫૦ ગરીબ કલ્યાણ મેળામાં ૧૫અબજ રુપિયાની આર્થિક શકિત ગરીબના હાથમાં આપી દેવી છે. એમ તેમણે જણાવ્યું હતું.
ધરવિહોણાને પ્લોટ આપવાની ઝુંબેશ એવી રીતે ઉપાડી છે કે, હવે જીલ્લે જીલ્લે ગરીબી રેખા નીચે જીવતા ધરવિહોણા પરિવારોને શોધી શોધીને અને ગામતળ નીમ કરીને એક પણ ધર વિહોણો ગરીબ પ્લોટથી વંચિત રહેવા પામે નહિ તેની કાળજી એકલા ગુજરાતમાં આ સરકાર લઇ રહી છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ગરીબોના પરિવારોને સ્થાયી આવાસ સાથે ગરીબી સામે લડવાનો રસ્તો બતાવ્યો છે તેની રૂપરેખા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
ગરીબ પરિવારોની પડખે ઉભા રહીને સરકાર તેના સપના પૂરા કરવા કેટકેટલા પ્રયાસો કરી રહી છે. તેની ભૂમિકા આપી તેમણે જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળો ના યોજાયો હોત તો, આ ગરીબનું કોણ બેલી થયું હોત? ગરીબીમાં જીવતર ગુજાર્યા સિવાય તેનો કોઇ આરો- વારો નથી એવી વર્ષોથી ધર કરી ગયેલી નિરાશા આ સરકારે દૂર કરી છે.
ગરીબોને દેવાના ડુંગરો અને વ્યાજખાઉ શોષણખોરોની ચૂંગાલમાંથી છોડાવવા સવાલાખ સખીમંડળોના હાથમાં અત્યારે રૂ.ચાર અબજનો વહીવટ છે તે વધારીને સ્વર્ણિમ જયંતિ વર્ષમાં જ રૂ.૧૦૦૦ કરોડનો નાણાકીય વહીવટ સોંપવાની નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી. આગામી ચાર વર્ષમાં તો સખીમંડળોના હાથમાં રૂ.૫૦૦૦ કરોડ આપીને ગરીબોને વ્યાજના ચકકરમાંથી બહાર લાવવા ગરીબ કુટુંબોની નારીશકિતને ગરીબી સામે લડવા સક્ષમ બનાવવી છે એમ તેમણે જણાવ્યું હતું.
મોંધવારીનો રાક્ષસ ગરીબોને ભીષણ ભરડો લઇ રહયો છે અને કેન્દ્રની સરકાર તથા વડાપ્રધાને ચુંટણીમાં મોધવારીને નાબૂદ કરવાનું જનતાને આપેલુ વચન પાળ્યું નથી. અમે ગરીબની વેદના વ્યકત કરીએ તો અમને ગાળો દેવાય છે. મોંધવારી ધટાડવાની જવાબદારી કેન્દ્રની છે. તેની નિષ્ફળતાનો દોષનો ટોપલો રાજય સરકારો ઉપર ઢોળી દેવાની પ્રધાનમંત્રીશ્રીની માનસિકતા ઉપર તેમણે આકરા પ્રહારો કર્યા હતા.
ગુજરાત તો કેન્દ્રની પાસે મોંધા ભાવના ધઉં ખરીદ કરીને ગરીબોને રાહત ભાવે આપે છે. દેશમાં ધઉંની તંગી હતી ત્યારે ગુજરાત સરકારે જ ખેડૂતોને પ્રોત્સાહિત કરીને મબલખ ધઉંનું ઉત્પાદન કર્યુ છે. “”ગરીબ માનવી માટે અવાજ ઉઠાવવા માટે જેટલી સજા હોય તે ભોગવવા હું તૈયાર છું. રાજ્યોને અને ગુજરાતને ઉપદેશ આપતા પહેલાં વડાપ્રધાનશ્રીએ પોતાની સરકારના કૃષિ વિકાસ ઉપર કેમ ધ્યાન કેન્દ્રીત કર્યુ નથી ? ગુજરાત સરકારે તો આખા દેશમાં સતત દશ ટકાનો સૌથી ઉંચો કૃષિ વિકાસ દર હાંસલ કરી બતાવ્યો છે. એથી કેન્દ્ર સરકારે દર્પણમાં પોતાનો ચહેરો જવાની જરૂરત છે, કેન્દ્ર સરકાર મોંધવારી ડામવામાં નિષ્ફળ રહી છે. તેટલી કબૂલાત તો કરો” એમ તેમણે જણાવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળા એ વચેટીયા અને દલાલોની દુકાનો બંધ કરવાનો નિર્ધાર છે એમ તેમણે જણાવ્યું હતું.
પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવા આરંભાયેલા ગરીબ કલ્યાણ મેળાના મહાયજ્ઞનો આશય દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણાત્મક અને વૈશ્વિક ફલક પર ગુજરાતની ગરીમાને ઉજાગર કરવા, આદર્શ રાજ્યની સ્થાપના કરવાનો છે. ગુજરાતનો સડસડાટ વિકાસ થઇ રહયો છે. ખેતી, ઉઘોગ, પશુપાલન ક્ષેત્રે દિશાસૂચક વિકાસ માનવ વિકાસના સૂચકાંકને ઉંચે લઇ જશે. આ અવસરે તાપી જિલ્લા પ્રભારી અને વનમંત્રીશ્રી મંગુભાઇ પટેલ પણ ઉપસ્થિત રહી વ્યારા, વાલોડ અને સોનગઢ તાલુકાના લાભાર્થીઓને હ્દયથી આવકાર્યા હતા.
તાપી જિલ્લા કલેકટરશ્રી સી.એમ.બલાતે સૌને આવકારતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના સર્વાંગી વિકાસની પરિકલ્પનાની પ્રગટાવેલી જ્યોતરૂપ ગરીબ કલ્યાણ મેળામાં ૭૦ હજાર લાભાર્થીઓને રૂા.૭૫ કરોડ જેટલી સહાય સાધન, ચેક મંજૂરીપત્ર સ્વરૂપે આપવામાં આવ્યા છે.
ગરીબ કલ્યાણ મેળાના આ અવસરે પ્રભારી સચિવશ્રી જી.આર.અલોરીયા, જિલ્લા વિકાસ અધિકારી શાલિની અગ્રવાલ, નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પાઠક, વ્યાર નગર પંચાયત પ્રમુખશ્રી કાંતિભાઇ ગામીત, નગરપાલિકાના પ્રમુખો સર્વશ્રી પ્રવીણભાઇ, ચિંતનભાઇ સહિત અગ્રણીઓ અને વિશાળ જનમેદની ઉપસ્થિત હતી.
ધારાસભ્યશ્રી ગણપતભાઇ વસાવા,માજી ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઇ ઢોડિયા, પ્રતાપ ગામીત, માજી સંસદીય સચિવ સુભાષ પાડવી, મહિલા આગેવાન શારદાબેન ગામીત, લાભાર્થી વનવાસી પરિવારો વગેરે ઉપસ્થિત રહયા હતા.

