રાજ્યના ર૩ તાલુકાઓમાં સામાન્ય વરસાદઃ ૧પ જિલ્લાઓ વરસાદ વિહોણા
July 29, 2010 by Editor
Filed under Gandhinagar, NOW
રાણપુરમાં ત્રણ ઇંચ, ધોળકા, લીંબડીમાં બે ઇંચ વરસાદ
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તેનું જોર ઘટાડીને માત્ર ર૩ તાલુકાઓમાં સામાન્ય વરસાદ વરસાવ્યો છે. જ્યારે ૧પ જિલ્લાઓ વરસાદ વિહોણા રહ્યા હોવાના અહેવાલો છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ર૯-૭-ર૦૧૦ના રોજ સવારે ૭-૦૦ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ જિલ્લાના રાણપુરમાં ૮૯ મી.મી. એટલે કે ત્રણ ઇંચ, ધોળકામાં ૬૦ મી.મી. અને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં પર મી.મી. એટલે કે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત બાવળા, સાણંદ, દેત્રોજ, પોરબંદર, રાણાવાવ મળી કુલ પાંચ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે દાંતા, દહેગામ, સતલાસણા, ઉંઝા, સિદ્ધપુર, બરવાળા, ભાણવડ, જામજોધપુર, લાલપુર, તાલાળા, ચુડા, ડાંગ, કપરાડા, ઉમરગામ અને વલસાડ મળી કુલ ૧પ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ પાણી પડ્યુ હોવાના અહેવાલો છે.
રાજ્યના કચ્છ, સાબરકાંઠા, આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, અમરેલી, ભાવનગર, રાજકોટ, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત અને તાપી મળી કુલ ૧પ જિલ્લાઓ વરસાદ વિહોણા રહ્યા છે.
રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૪૬.૦પ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રિજીયનમાં ૯૯.૪૦ ટકા, ઉત્તર ગુજરાતમાં પ૪.ર૩ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૪.૧પ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૧.૮૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૩૭.૬પ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.

